પૃષ્ઠો

સોમવાર, 25 નવેમ્બર, 2013

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

માણસ એની જિંદગીની દરેક નવી પળે કાંઈક નવું શીખી શકે છે. માણસ જ્યારે નવું શીખી શકતો નથી ત્યારે માણસ તરીકેની એની પ્રગતિ અટકી જાય છે

Afailure in life is one who lives and fails to learn.
એ વ્યક્તિ નિષ્ફળ છે, જે જીવે છે પણ કશું શીખતી નથી. શીખવું કે અભ્યાસ કરવો એટલે માત્ર ડિગ્રી પ્રાપ્ત કરી લેવી એવો એનો અર્થ નથી. ડિગ્રીનો ઉપયોગ આજકાલ માત્ર આજીવિકા માટે કરવામાં આવે છે અને અભ્યાસથી માણસ દૂર ભાગે છે. પરંતુ, જે નવું શીખતા નથી કે કશું નવું પામી શકતા નથી અને નવું પામી નહીં શકનાર મનથી હંમેશાં અસંતુષ્ટ જ રહે છે અને સમાજ જ્યારે એવા માણસોથી ઊભરાય છે ત્યારે એવા સમાજમાં પોકળતા, ઈર્ષ્યા, ખટપટ વધી જાય છે અને એ તદ્દન સ્વાભાવિક છે.
માણસ એની જિંદગીની દરેક નવી પળે કાંઈક નવું શીખી શકે છે. કાંઈક નવું પ્રાપ્ત કરી શકે છે. કોઈક નવા જ ક્ષેત્રમાં તે આગળ વધી શકે છે. પણ માણસ જ્યારે નવું શીખી શકતો નથી ત્યારે માણસ તરીકેની એની પ્રગતિ અટકી જાય છે.
'ટેલ્સ ઓફ ધ સાઉથ પેસિફિક' બીજા વિશ્વયુદ્ધના સમયની વાતો લખનાર જેમ્સ મિશનરે પોતાની જિંદગીને સ્પર્શતો આવો જ એક પ્રસંગ લખ્યો છે, જેનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું.
તેમણે લખ્યું છે કે, મારા અનુભવ અને નિરીક્ષણથી મને એ શીખવા મળ્યું છે કે માત્ર ડિગ્રીનું શિક્ષણ જ નહીં, પરંતુ પોતાની જાતને ફરી ફરીને કેળવતા રહેવાથી જ દૂર લાગતા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. કોઈ મોટું કામ પાર પાડવા માટે, દૂર મંજિલ સુધી પહોંચવા માટે માણસમાં ખાનદાની અને નીતિમત્તાવાળાં માનવીય મૂલ્યો હોવાં વધારે જરૂરી છે.
તેઓ આગળ લખે છે કે મને ૧૯૪૨નો એ દિવસ યાદ છે જ્યારે યુએસ નેવીમાં એક ટેલેન્ટેડ માણસની તાત્કાલિક જરૂર હતી.
અમે ચાર ઉમેદવાર હતા. પહેલા ઉમેદવારને સિલેક્શન કમિટીએ પૂછયું, "તમે શું કરી શકશો?"
ઉમેદવારે જવાબ આપ્યો, "હું 'મેસી' માટે ખરીદી કરું છું. મારી એ નિપુણતા છે કે બજાર કિંમત અને ટ્રેન્ડ અંગે તરત જ નિર્ણય લઈ શકું છું."
કમિટીએ પૂછયું, "તમે વ્યવહારમાં ઉપયોગી હોય એવું શું કરી શકશો?" અને ઉમેદવારને પસંદ કર્યા વિના એને બાજુ પર રાખી દેવામાં આવ્યો.
બીજા ઉમેદવારનો વારો આવ્યો, પૂછવામાં આવ્યું, "તમે વ્યવહારોપયોગી, પ્રેક્ટિકલ શું કરી શકશો?"
એ ધારાશાસ્ત્રી હતો. તેણે કહ્યું, "હું તો પુરાવાઓના આધારે સચોટ માહિતી એકઠી કરી શકું."
એને પણ રદ કરવામાં આવ્યો.
મારો નંબર ત્રીજો હતો. મેં જવાબ આપ્યો, "હું ભાષાનો નિષ્ણાત છું અને મને ઇતિહાસનું જ્ઞાન છે."
મારો જવાબ સાંભળીને કમિટીના લગભગ બધા જ સભ્યો નારાજ થઈ ગયા.
ચોથા અને છેલ્લા ઉમેદવારે હિંમતથી કહ્યું, "હું કોલેજમાં ટ્રેઇન થયેલ એન્જિનિયર છું અને ડીઝલ એન્જિન ઓવરહોલ કરી શકું છું."
પસંદગી સમિતિએ એ જ વખતે એને ઓફિસર તરીકે નિમણૂક આપી દીધી.
એ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ અને થોડાં વર્ષો પછી લડાઈનો પણ અંત આવી ગયો. લડાઈના અંત સાથે જરૂરિયાતોમાં ઘણો મોટો ફેરફાર આવી ગયો. મેસી માટે ખરીદી કરનાર, બજાર અને કિંમતોના પેલા નિષ્ણાતને નેવી સેક્રેટરીના આસિસ્ટન્ટ તરીકે જટિલ જવાબદારીઓ પૂરી કરવા તાત્કાલિક નિર્ણયો લેવા માટે નિમણૂક આપવામાં તે ઘણો આગળ વધ્યો અને એક ઉચ્ચ નિષ્ણાત સાબિત થયો.
પેલા ધારાશાસ્ત્રીએ પણ એડમિરલ હેલસી (Halsey)ના આસિસ્ટન્ટ તરીકે જવાબદારીઓ સંભાળી અને ખાસ કરીને જાપાનનાં લશ્કરી વહાણોના કાફલા અંગે તાર્કિક તારણો કાઢીને બુદ્ધિપૂર્વકના રિપોર્ટ્સ તૈયાર કર્યા અને એ બદલ તેને અનેક મેડલ્સ પણ આપવામાં આવ્યા.
અને સાઉથ પેસિફિકમાં અમેરિકાનું ભાવિ સુનિશ્ચિત કરતી કોંગ્રેસની કેટલીક ઉચ્ચ કમિટીના નેવેલ સેક્રેટરી તરીકે મારી પણ નિમણૂક થઈ.
પરંતુ પેલા એન્જિનિયર જેમને પહેલી નિમણૂક મળી હતી, તેઓ તો એ વખતે પણ ડીઝલ એન્જિન ઓવરહોલ કરવાનું સામાન્ય કામ જ કરી રહ્યા હતા. તેની પાસે ડિગ્રી હતી પણ નવું શીખવાનો અભાવ હતો. એની સરખામણીએ ભૂતકાળમાં નાપાસ થયા હતા એ તમામ ઉમેદવારોએ નોંધપાત્ર પ્રગતિ કરી હતી માત્ર અભ્યાસ કરીને.
મિશનર લખે છે કે ૧૯૪૫માં યુદ્ધમાં રાહત થઈ ત્યારે સાઉથ પેસિફિક કોર્સના તેમના તમામ સાથી ઓફિસર્સ આરામમાં ડૂબી જવાના બદલે પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય એવી કોઈક નવી વસ્તુઓનો અભ્યાસ કરીને કાંઈ ને કાંઈ શીખતા રહેતા. એમના વડા વાઇસ એડમિરલ વિલિયમ કેલ્હન ફ્રેન્ચ ભાષા શીખી રહ્યા હતા. રોજના છએક કલાક જેટલો લાંબો સમય તે એમાં ગાળતા. યુદ્ધ પૂરું થતાં તેમને બીજે ક્યાંક મોકલવામાં આવે તો આ અભ્યાસ કદાચ અધૂરો રહી જાય એટલે તેઓ અત્યારે મળેલા સમયનો સદુપયોગ કરી લેવા માગતા હતા.
એક વાર ઓફિસર્સ સ્ટડી ગ્રૂપમાંથી ભાગ લઈને જ્યારે બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે મિશનર ગ્રૂપલીડરે તેમને સહજ રીતે પૂછયું કે મિશનર તમે અત્યારે શું અભ્યાસ કરી રહ્યા છો?
મિશનરને આ સવાલથી ચોટ લાગી. કારણ કે કોઈ ખાસ કામ હાથ પર લીધા વિના જ પોતે ઘણો સમય વેડફી નાખ્યો હતો એવું તેમને સમજાયું અને આમ આ સવાલના જવાબરૂપે 'ટેઇલ્સ ઓફ ધ સાઉથ પેસિફિક'નું સર્જન થયું.
મહિનાઓ સુધી એકાંતમાં રહીને, એક પતરાંની ઝૂંપડીમાં બેસીને ફાનસના ઝાંખા અજવાળામાં, મચ્છરોના ત્રાસ વચ્ચે મિશનરે પોતાનું કામ પૂરું કર્યું.
મિશનર કહે છે કે તેઓ એ રીતે સદ્ભાગી હતા કે યુદ્ધ સિવાયના રાહતના સમયમાં દરેકને કાંઈક નવું શીખવાનું કે કરવાનું મન થાય એવું વાતાવરણ લશ્કરમાં હતું. બીજું સદ્ભાગ્ય એમનું એ હતું કે કોલેજ દરમિયાન પણ સ્વતંત્ર અને મુક્ત રીતે અભ્યાસ કરવાની તેમને તક મળી હતી. જે શીખે છે એની મહત્તા વધે છે.
બીજું, શીખવા માટેની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. એમ કહેવાય છે કે એરિસ્ટોટલે એંસી વર્ષની ઉંમરે વાંસળી શીખવાનું શરૂ કર્યું હતું. એમને એ રીતે શીખતા જોઈને કોઈએ પૂછયું, "આટલી ઉંમરે વાંસળી શીખતાં તમને શરમ નથી આવતી?"
એરિસ્ટોટલે કહ્યું, "ના, શરમ તો મને હમણાં સુધી આવતી હતી. બીજા કોઈને હું વાંસળી વગાડતાં જોતો અને મને એ આવડતી નહોતી ત્યારે મને શરમ આવતી હતી."
એરિસ્ટોટલના આ જવાબ ઉપરથી શીખવાનું છે કે શીખવામાં કોઈ શરમ નથી. માનવજાતની આજ સુધીની પ્રગતિ તેના કુતૂહલ અને અભ્યાસવૃત્તિને કારણે થઈ છે. શિકારી પ્રાણીઓનાં બચ્ચાં કુદરતી રીતે જ શિકાર કરતાં શીખે છે, પરંતુ તેમને તીરકામઠાં,રાઇફલ બનાવતાં આવડતું નથી. કોઈ પ્રાણીને અગ્નિનો ઉપયોગ કરીને રસોઈ કરતાં આવડતું નથી. કોઈને ગણતાં, લખતાં,વાંચતાં આવડતું નથી. બીજાં પ્રાણીઓ અને માણસ વચ્ચે આ જ મોટું અંતર છે અને આ બધું જ માણસે માત્ર અભ્યાસ કરીને, શીખીને સિદ્ધ કર્યું છે.ળએટલે, જે શીખતા નથી એમણે શરમાવું જોઈએ. શીખતા હોય એમણે નહીં. શીખવું એ મનુષ્યની વિશિષ્ટતા છે. શીખવામાં કશી જ શરમ ન હોય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો