કબીરવડ – શુક્લતીર્થ

બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતા એક ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલો જમાનાથી ઊભેલો કબીરવડ અને આસપાસમાં આવેલાં તીર્થક્ષેત્રો આ સ્થળનું આકર્ષણ છે.
દંતકથા તો કહે છે કે, કબીરવડ એ વડવાઈના દાતણની ચીર નાખી ને વડ વિસ્તર્યો. પણ એ હકીકતનું નહીં પણ મર્મનું સત્ય તો પારખી શકાય છે એ વિશાળ વડના અવશેષમાં. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય ? પૂછો નર્મદને, ‘ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પા‘ડ સરખો ! નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એકસરખો !‘ એમ તો નર્મદાએ અનેક કવિઓ-સંતોને પ્રેર્યા છે. શંકરાચાર્યે અષ્ટક પ્રયોજ્યું ‘નમામિ દેવિ નર્મદે‘ તો ભરૂચના કવિ બ. ક. ઠાકોરે પણ ગુજરાતનું પ્રથમ સોનેટ આપ્યું ‘ભણકારા‘ નર્મદાની પ્રેરણાથી. શુકલતીર્થ પછી ભરૂચ. તે તો ભૃગુકચ્છ ! ભૃગુઓની ભૂમિ ! ભગવાન લકુલેશના કાયાવરોહણ તીર્થની નર્મદા-પોષિત પુરાણકથાની જેમ ભૃગુકચ્છની કથા ય આપણી સંસ્કૃતિનો વારસો.
શુકલતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊંચો છે. ત્યાં ફરી બોટ દ્વારા જઈ શકાય છે. શુકલતીર્થની બાજુમાં થોડે છેટે 1 કાળી તીર્થ, 2 ઓંકારેશ્વરતીર્થ, 3 શુકલતીર્થ એમ ત્રણ તીર્થો આવેલાં છે. તેમાં શુકલતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના પુત્રમરણના આઘાતથી તેના જીવનના શેષ દિવસો અહીં પસાર કરેલા. અહીં દર વરસે કાર્તકી પૂર્ણિમાએ પાંચ દિવસ સુધી ચાલતો મેળો ભરાય છે અને તેમાં સંખ્યાબંધ માણસો આવતા હોય છે. આ સ્થળને વિહારધામ તરીકે ખિલવવામાં આવ્યું છે અને ત્યાં પર્યટનાર્થીઓને રહેવા માટેની સગવડ કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો