આવકવેરાના કાયદાની કલમ ૮૦ડીની જોગવાઈઓ અનુસાર વ્યક્તિ હોય તેવા કરદાતાએ પોતાના, પોતાના લગ્નસાથીના તેમજ માતા-પિતા અને બાળકો (કરદાતાના આશ્રિત હોય કે ન હોય તો પણ)ના સ્વાસ્થ્ય માટે તથા હિંદુ અવિભક્ત કુટુંબ હોય તેવા કરદાતાએ, પોતાના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્ય માટે લીધેલા 'મેડિકલ ઈન્સ્યોરન્સ' સંબંધી રૂ. ૧૫,૦૦૦ની મર્યાદામાં ભરેલ પ્રીમિયમની ખરેખર રકમ, સંપૂર્ણપણે કપાત તરીકે બાદ આપવામાં આવશે.
જો કરદાતા, તેના લગ્નસાથી કે તેના માતા-પિતા અથવા એચ.યુ.એફ.ના કેસમાં તેના કોઈ સભ્ય, 'સિનિયર સિટીઝન' હોય, તો તેવા કેસમાં આ કપાત રૂ.૨૦,૦૦૦ સુધીની મર્યાદામાં મળી શકશે.
કલમ ૮૦ડીના હેતુસર જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અથવા અન્ય વીમાકાર (Insurer) ની મેડિકલ ઈન્સ્યોરન્સ યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવી છે. દિન-પ્રતિદિન વધતાં જતા તબીબી સારવારના ખર્ચના સંદર્ભમાં 'મેડિક્લેઈમ' ઈન્સ્યોરન્સ હવે ઘણું લોકપ્રિય અને ઉપયોગી બન્યું છે.
માતા-પિતાના મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી સંબંધી વધારાની કપાતનો લાભ !
વ્યક્તિના ઉંમરલાયક માતા-પિતાના કેસમાં મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણીની જવાબદારી વિશેષ હોઈ, તેને પહોંચી વળવા માટે આકારણી વર્ષ ૨૦૦૯-૧૦થી કરાયેલ જોગવાઈ અનુસાર, જો વ્યક્તિ પોતાના માતા-પિતાનું પણ પ્રીમિયમ ભરતી હોય, તો તેવા કેસમાં તેને વધારાની રૂ.૧૫,૦૦૦ની કપાતનો લાભ મળી શકશે. વળી, જો તેના માતા કે પિતા બેમાંથી કોઈ પણ સિનિયર સિટિઝન હોય, તો તેવા કેસમાં તેને વધારાની રૂ. ૨૦,૦૦૦ની કપાતનો લાભ મળશે.
આમ, કલમ ૮૦ ડી હેઠળ હવે વ્યક્તિને અસરકારક સ્વરૂપે રૂ. ૩૦,૦૦૦ (પોતાના કુટુંબના રૂ.૧૫,૦૦૦+ માતા-પિતાના રૂ. ૧૫,૦૦૦) અથવા રૂ.૩૫,૦૦૦ (પોતાના કુટુંબના રૂ.૧૫,૦૦૦+ સિનિયર સિટીઝન માતા કે પિતાના રૂ.૨૦,૦૦૦) અથવા રૂ.૪૦,૦૦૦ (પોતાના કુટુંબના કોઈ સિનિયર સિટીઝન સાથે રૂ. ૨૦,૦૦૦+ સિનિયર સિટીઝન માતા કે પિતાના રૂ. ૨૦,૦૦૦)ની કપાતનો લાભ મળી શકશે.
CGHS તેની સમકક્ષ અન્ય સ્વાસ્થ્ય યોજનાઓમાં અપાતા ફાળા સંબંધી કપાતનો લાભ
કલમ-૮૦ડીના હેતુસર કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના (ઝ્રીહંટ્વિઙ્મ ય્ર્દૃીહિદ્બીહં ઁીટ્વઙ્મંર જીષ્ઠરીદ્બી-ઝ્રય્ઁજી) તેમજ ઝ્રય્ઁજીની સમકક્ષ કેન્દ્ર કે રાજ્ય સરકારની અન્ય જાહેર કરાય તેવી સ્વાસ્થ્ય યોજનાઓમાં આપવામાં આવેલ ફાળાનો સમાવેશ થાય છે.
પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે રૂ.૫,૦૦૦ સુધી કરાયેલ ખર્ચ સંબંધી કપાત
કલમ ૮૦ ડી હેઠળની કપાતના વ્યાપનો વિસ્તાર કરીને, ૨૦૧૨ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૧૩-૧૪ની એવી જોગવાઈ કરવામાં આવી કે કરદાતાએ પોતાના, પોતાના કુટુંબના સભ્યો અથવા તેના માતા-પિતાના 'પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ' માટે કોઈ ખર્ચ કર્યો હોય, તો આવા ખર્ચ સંબંધી વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ સુધી, પરંતુ કલમ ૮૦ડી હેઠળની કુલ રૂ. ૧૫,૦૦૦/રૂ.૨૦,૦૦૦ની ઉપરોક્ત કપાતની મર્યાદામાં લાભ મળી શકશે.
દૃષ્ટાંત-૧: શ્રી અમદાવાદી તેમના કુટુંબના સભ્યો માટે કુલ રૂ. ૯,૦૦૦નું મેડિકલ પ્રીમિયમ ચૂકવે છે. ૨૦૧૩-૧૪ના નાણાકીય વર્ષ દરમિયાન તેઓ તેમના કુટુંબના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે રૂ. ૭,૦૦૦નો ખર્ચ કરે છે. આ કેસમાં, શ્રી અમદાવાદીને ચેક-અપના ખર્ચ સંબંધી રૂ.૫,૦૦૦ની મર્યાદામાં કપાત મળી શકશે અને રૂ. ૯,૦૦૦ના મેડિકલ પ્રીમિયમ અંગેની કપાત સાથે કુલ રૂ. ૧૪,૦૦૦, કલમ ૮૦ડી હેઠળ તેમના માટેની નિયત રૂ.૧૫,૦૦૦ની કપાતની અંદર હોઈ, સંપૂર્ણ રૂ.૧૪,૦૦૦ની કપાતનો લાભ લઈ શકશે.
દૃષ્ટાંત-૨: ઉપરોક્ત દૃષ્ટાંત-૧માં શ્રી અમદાવાદી દ્વારા ચૂકવાતા મેડિકલ પ્રીમિયમની રકમ રૂ. ૧૨,૦૦૦ હોય અને હેલ્થચેક-અપનો ખર્ચ રૂ.૫,૦૦૦ હોય, તો ચેક-અપના રૂ.૫,૦૦૦ તથા પ્રીમિયમના રૂ.૧૨,૦૦૦ની કુલ રકમ રૂ.૧૭,૦૦૦, કલમ ૮૦ડી હેઠળની નિયત રૂ. ૧૫,૦૦૦થી વધુ હોઈ, તેમને વધુમાં વધુ માત્ર રૂ. ૧૫,૦૦૦ની કપાતનો લાભ મળી શકશે.
દૃષ્ટાંત-૩: જો ઉપરોક્ત દૃષ્ટાંત-૨માં શ્રી અમદાવાદીના કુટુંબના કોઈ પણ સભ્ય, સિનિયર સિટીઝન હોય, તો તેવા કેસમાં કલમ ૮૦ ડી હેઠળ રૂ. ૨૦,૦૦૦ સુધીની કપાત બાદ મળી શકતી હોઈ, આ કેસમાં રૂ.૧૭,૦૦૦ (રૂ.૧૨,૦૦૦+ રૂ.૫,૦૦૦)ની કપાતનો લાભ મળી શકે.
દૃષ્ટાંત-૪: નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં, ૫૦ વર્ષની ઉંમરના શ્રી સુરતી નીચે જણાવેલી ચુકવણીઓ કરે છે.
- પોતાના પત્ની તથા બાળકોના મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ માટે રૂ. ૮,૦૦૦.
- પોતાના, પત્ની તથા બાળકોના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે રૂ.૬,૦૦૦.
- પોતાના સિનિયર સિટીઝન માતા-પિતાના મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માટે રૂ. ૧૭,૦૦૦.
- પોતાના સિનિયર સિટીઝન માતા-પિતાના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે રૂ. ૪,૦૦૦.
આ કેસમાં શ્રી સુરતીને કલમ ૮૦ ડી હેઠળ આકારણી વર્ષ ૨૦૧૪-૧૫ માટે નીચે મુજબની કપાત મળશેઃ
- પોતાના પત્ની તથા બાળકો માટેની ચુકવણીના સંદર્ભમાં રૂ.૧૩,૦૦૦ (રૂ.૮,૦૦૦+ રૂ.૫,૦૦૦).
- પોતાના સિનિયર સિટીઝન માતા-પિતા માટેની ચુકવણીના સંદર્ભમાં, તેમણે કરેલી રૂ. ૨૧,૦૦૦ (રૂ.૧૭,૦૦૦+ રૂ.૪,૦૦૦)ની ચુકવણી સામે, કલમ ૮૦ ડી હેઠળ મળી શકતા મહત્તમ રૂ.૨૦,૦૦૦.
કલમ ૮૦ડીની કપાતનો લાભ લેવાના હેતુસર સંબંધિત ચુકવણી કેમ કરશો?
કલમ ૮૦ ડી હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેડિકલ પ્રીમિયમની ચુકવણી સંબંધી કપાત રોકડ સિવાય અન્ય કોઈપણ સ્વરૂપે કરાયેલ ચુકવણી (દા.ત. ચેક, ડ્રાફટ, ક્રેડિટ, કાર્ડ, નેટ બેંકિંગ વગેરે દ્વારા)ના સંદર્ભમાં જ મળી શકશે. પરંતુ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ સંબંધી રૂ.૫,૦૦૦ની ઉપરોક્ત કપાત, રોકડ સહિત અન્ય કોઈ પણ સ્વરૂપે કરાયેલ ચુકવણીના સંદર્ભમાં પણ મળી શકશે.
પગારદાર કર્મચારીઓના હાથમાં કરમુક્ત તબીબી સુવિધાઓ
કર્મચારીને તેના માલિક તરફથી મળતી નીચે મુજબની તબીબી સુવિધાઓ (medical facilities) આવકવેરાના કાયદાની કલમ ૧૭ (૨) હેઠળ કરમુક્ત ગણવામાં આવે છેઃ
(અ) માલિક દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ કે ડિસ્પેન્સરીમાં કર્મચારી કે તેના કુટુંબના કોઈ પણ સભ્યને આપવામાં આવતી તબીબી સુવિધાઓ.
(બ) સરકાર કે સ્થાનિક સંસ્થા દ્વારા સંચાલિત અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરાયેલી હોસ્પિટલમાં કર્મચારી કે તેના કુુટુંબના કોઈ સભ્ય માટેની તબીબી સારવાર અંગે કરવામાં આવેલ ખર્ચની માલિક દ્વારા ચુકવણી. ચીફ કમિશનર દ્વારા નિયત પ્રકારની તબીબી સારવાર માટે માન્ય કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પણ કર્મચારી કે તેના કુટુંબના કોઈ સભ્ય માટેની સારવારના હેતુસર કરવામાં આવેલ ખર્ચની માલિક દ્વારા કરાયેલ ચુકવણીને કરમુક્ત સવલત ગણવામાં આવશે. આવકવેરા નિયમ ૩-એ (૧) હેઠળ આવી ખાનગી હોસ્પિટલને ઉપરોક્ત હેતુસર માન્યતા આપવા સંબંધી માર્ગદર્શક આવશ્યકતાઓની રૂપરેખા આપવામાં આવી છે. આવકવેરા નિયમ ૩-એ (૨) હેઠળ નિયત પ્રકારની તબીબી સારવારના સંદર્ભમાં ર્નિિદષ્ટ કરાયેલા રોગ (prescribed diseases or ailments)ની યાદીમાં કેન્સર, ટી.બી., એઈડ્સ, હૃદયરોગ, તેમજ અન્ય શારીરિક તથા માનસિક રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(ક) ગ્રૂપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ કર્મચારીના લાભાર્થે માલિક તરફથી ચૂકવવામાં આવેલું પ્રીમિયમ.
(ડ) આવકવેરાના કાયદાની કલમ ૮૦ડી હેઠળ માન્ય એવી 'હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી' હેઠળ કર્મચારી કે તેના કુટુંબના કોઈ સભ્યના લાભાર્થે ચૂકવવામાં આવેલું પ્રીમિયમ.
(ઈ) કર્મચારી કે તેના કુટુંબના કોઈ પણ સભ્ય માટે ઉપર (અ) અને (બ)માં જણાવ્યા સિવાયની કોઈ પણ અન્ય પ્રકારની તબીબી સારવાર મેળવવા સંબંધી કરવામાં આવેલ ખર્ચની માલિક દ્વારા ચુકવણી (Reimbursement of Medical Expenses), વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ની મર્યાદામાં.
(ફ) કર્મચારી કે તેના કુટુંબના કોઈ સભ્ય માટે વિદેશમાં મેળવેલી તબીબી સારવાર તેમજ રહેઠાણ માટે ખરેખર કરાયેલા ખર્ચની માલિક દ્વારા ચુકવણી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય કરવામાં આવેલ નાણાકીય મર્યાદામાં કરમુક્ત ગણવાની જોગવાઈ છે. વધુમાં, જો કર્મચારીની કુલ ગ્રોસ આવક રૂ. બે લાખથી ઓછી હોય, તો તેવા કેસમાં વિદેશની મુસાફરી અંગેના ખર્ચ (એક એટેન્ડન્ટના ખર્ચ સહિત) ની ચુકવણી પણ કરમુક્ત ગણવામાં આવશે.